अनुवादक – डॉ. भावना मीरानी( અનુવાદક: ડોક્ટર ભાવના મીરાની)
આજે સવારથી જ તે પોતાની અંદર એક નવી ઉમંગ અને તા જગીનો અનુભવ કરી રહ્યા હતા અને
શા માટે ન અનુભવે? આજે તે ઓફિસે ઇન્ટરનેશનલ બ્રાન્ડનું શર્ટ પહેરીને ગયા જો હતા, જે તેમની પત્નીએ બચતના પૈસામાંથી 50% ડિસ્કાઉન્ટ નાં સેલ માંથી ખરીદીને જન્મદિવસ પર ગિફ્ટ કરેલ હતું.
“ગુડ મોર્નિંગ, માલિનીજી, કેમ છો?” જાણીજોઈને પોતાની સહકર્મી નું ધ્યાન તે શર્ટ તરફ લઈ જવા માટે તેમણે કહ્યું.
“ગુડ મોર્નિંગ, હું સરસ છું, અરે વાહ! શું વાત છે આજે તમે ખુબ જ સુંદર લાગી રહ્યા છો” – માલિનીએ હસતા-હસતા કહ્યું.
“અરે! એવી કોઈ વાત નથી” – માથાનાં વાળ સરખા કરતાં જવાબ આપ્યો અને પોતાની ખુરશી પર જઈ બેસી ગયા.
સર, તમારું શર્ટ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. મને ખ્યાલ છે ત્યાં સુધી તો આ બ્રાન્ડેડ છે – જુનિયર સહકર્મીએ કહ્યું
“હા, સાચી વાત છે, આ મારી પત્નીએ મોલમાંથી ખરીદ્યું છે” – આમ કહેતાં તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી.
“તો આ ખૂબ જ કમ્ફર્ટેબલ હશે?” – જુનિયરે ઉત્સુકતા સાથે પૂછ્યું.
“હા, ખૂબ જ કમ્ફર્ટેબલ છે, ફક્ત તેની પાછળ લાગેલ લેબલ જરા વાગી રહ્યું છે.”
“તો, તેને કાઢી નાખો.”
“અરે ના, જો હું તે લેબલ કાઢી નાખીશ તો પછી તે બ્રાન્ડેડ નહીં પરંતુ સામાન્ય શર્ટ બની જશે” – હસતા-હસતા તેમણે કહ્યું. કહેતા તો કહી દીધું પરંતુ ડોક પર સતત લેબલ વાગતું હોવાથી તે બેચેની અનુભવી રહ્યા હતા.
“ઘરે જઈને, સૌથી પહેલા આ લેબલને કઢાવી દઈશ… અરે!… ના-ના મારા આમ કરવાથી કદાચ પત્નીને ખોટું લાગી જશે તો, તેણે કેટલા પ્રેમથી આપ્યું છે” – તે પોતાના વિચારોમાં જ ખોવાયેલો હતો અને
“સારું, તો સર, તે ટેન્ડર વાળી ફાઈલ જલ્દીથી પતાવો, બોસે કહ્યું છે.” – સહકર્મીની વાત સાંભળી તે વિચારોમાંથી બહાર આવ્યા.
“સારું કરુ છું” – કહી તેમણે ફાઈલ લઈ, પેન હાથમાં લીધી જ હતી અને
“ક્યાંક શર્ટ પર શાહીનો દાગ ન પડી જાય” – એમ વિચારી તે સાવચેત થઈ ગયા.
અચાનક તેમને શરીર પર જાણે કંઈક વજનની અનુભૂતિ થવા લાગી, કામ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મન ન લાગ્યું, હવે ધીરે-ધીરે શરીર પર વજન વધી રહ્યું હોય તેવો અહેસાસ થવા લાગ્યો, જેમ-તેમ કરીને જરૂરી ફાઈલો પૂરી કરી.
“ચાલો સર, જમવાનો સમય થઈ ગયો છે, જમી લઈએ”- સહકર્મીએ કહ્યું
જ્યાં તેમણે જમવા માટે ટિફિન ખોલ્યું,
” તેલ ના ડાઘ…” – એમ વિચારીને જ તેમને જમવાનું મન ન થયું, શરીરમાં એક અલગ જ પ્રકારનાં બંધનની અનુભૂતિ થવા લાગી.
“કોઈ વાત છે સર, આપ ચિંતિત લાગી રહ્યા છો?” – વારંવાર ડોક પર હાથ ફેરવતા જોઈ તેમના સહકર્મીએ તેમને પૂછ્યું,
“ના, એવી કોઈ વાત નથી” – કહી વાતને ટાળતા મન ન હોવા છતાં જમવાનું મોં માં મુક્યુ. જાણે દિવસ પણ આજે લાંબો લાગી રહ્યો હતો. ખુરશી પર બેસી રહેવા છતાં પણ તે થાકની એવી અનુભૂતિ કરવા લાગ્યા જાણે ખૂબ લાંબુ ચાલીને આવ્યા હોય. સાંજે ઓફિસેથી સીધા ઘરે પહોંચી સૌથી પહેલા શર્ટ કાઢી તેની ગડી કરી, બોક્સમાં પેક કરી કબાટની અંદર રાખી દીધું.
-0-