जगदीश कश्यप / જગદીશ કશ્યપ
અનુવાદક : ડૉ.તૃપ્તિ દવે જોશી
મેં કહ્યું,- ‘જાગો સાહેબ.‘ નાયબમંત્રીને ઉઠાડવા માં આવ્યા, તો તેમણે અડધી મીંચેલી આંખો સાથે ક્રોધ થી જોયું કે ભીડ તેના રૂમ સુધી આવી ગઈ હતી. કેટલાંક લોકો હાથ જોડીને ઉભા હતા. નાયબમંત્રી તરત જ ચહેરા પર સૌમ્યતા લાવી ને બોલ્યા. – ‘ બોલ ભાઈ મધુકર, કેમ છો? તું કાલે તો દેખાયો જ નહીં. ‘
મધુકર સ્થાનિક વર્તમાન પત્ર નો રિપોર્ટર હતો અને તેમણે તેમના મિત્રને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી હતી.તે બોલ્યો – ‘ હું પછી, પહેલાં આ લોકોની ફરિયાદ સાંભળો! મ્યુનિસિપલ વહીવટદારે એમ કહીને આ લોકોના ઘર પાડી નાખ્યા છે કે તે એલ.એમ.સી. ની જમીન ઉપર બનાવેલા હતા. હવે કહો આ લોકો ક્યાં જાય!’
સાંભળીને નાયબમંત્રી ક્રોધિત થઈ ગયા અને સેક્રેટરીને બોલાવીને ફોન લગાવવા કહ્યું. ફોન પર ચેરમેન પર ગુસ્સે થયા . પેટા વિભાગીય અધિકારી સાથે પણ વાત કરી.
‘ તમે લોકો જાવ. મેં વાત કરી લીધી છે. હું પોતે જ આ કેસને પૂર્ણ રીતે સંભાળીશ .‘ ગરીબ મજૂરો, ‘ જી સાહેબ, માય બાપ.‘ કહીને ચાલ્યા ગયા.
‘ બોલ મધુકર, શું ચાલી રહ્યું છે? ‘
ત્યારે જ વચ્ચે આવીને સેક્રેટરીએ કહ્યું,- ‘ મુખ્યમંત્રી શ્રી તમારી સાથે વાત કરવા માંગે છે.‘ નાયબમંત્રીએ કપડાં સરખા કરતા ફોનમાં કહ્યું – ‘ જી સાહેબ!‘ સામેથી કંઈ બોલાયું એટલે નાયબમંત્રીએ એક અલગ અંદાજમાં ટટ્ટાર થઈને કહ્યું- ‘ હું નીકળી જ રહ્યો છું . માફ કરજો સાહેબ! અહીં લોકોના ઘર પાડી નાખવામાં આવ્યા હતા, એ જ પરિસ્થિતિમાં ફસાયેલો હતો.
જી…. જી….. જી સાહેબ, નહિ હું એ બાબતમાં પડવા જ નથી માગતો. ગેરકાયદેસર બાંધકામ થયું હશે તો પડશે જ ને…….. જી સાહેબ, એમાં આપણે શું કરી શકીએ છીએ……. ચિંતા ના કરો, સાહેબ, હું અત્યારે જ નીકળી રહ્યો છું.‘
-0-