(अनुवाद : ख्याति केयूर खारोड )
એ બંનેનાં મકાનો બાજુબાજુમાં જ હતાં. બંનેનાં ઘરોની વચ્ચે એક નાનકડી દીવાલ હતી. બંને પડોશીઓને ઘણો સારો મનમેળ હતો. રોજ પોતપોતાના ફળિયામાં બેસીને એકબીજાની સાથે ખૂબ વાતો કરતા અને સુખદુઃખ વહેંચતા. એ જ ફળિયામાં બેસીને શિયાળાનો કૂણો તડકો ખાતા અને ઉનાળામાં રાત્રે ખાટલો ઢાળીને સૂતા, ત્યારે બંનેનું તારાદર્શન પણ સાથે જ થતું. ચોમાસામાં વરસાદી છાંટણાંમાં બંને સાથે જ પોતપોતાના ફળિયામાં હોંશભેર ભીંજાતા. આમ, બંને પડોશીઓ નરી સાદાઈના સુખની મજા લેતાલેતા આનંદપૂર્વક રહેતા હતા. પણ જયારે એક પડોશીએ પોતાના મકાન પર એક નવો માળ ચણાવ્યો, ત્યારે ઊગતા સૂરજનાં કિરણો બીજા પડોશીના ફળિયામાં પથરાતાં બંધ થયાં. અંતે, બીજા પડોશીએ પણ માળ ચણી કાઢ્યો અને બંને ઘરો બે માળનાં થઈ ગયાં. હજુ બંને પડોશીઓની અલકમલકની વાતો તો ચાલતી જ હતી.
બીજો માળ લેવાયો, તે જ રીતે ત્રીજો માળ પણ ચણાયો અને ચોથો પણ; ઘરના માળ વધતા ગયા, તેમ ફળિયાં નાનાં થતાંથતાં લુપ્ત જ થઈ ગયાં.
હવે બંને પડોશીઓ બહાર બેઠેલા જોવા મળતા નથી. હવે તો ચોથા માળની અગાશી જ તેમનાં ‘ફળિયાં’ થઈ ગયાં. પણ છેક ઉપર જઈને વાતો કરવી તો અઘરી પડે ને? એટલે હવે વાતો પણ ઓછી થઈ ગઈ. હવે તેઓ પોતપોતાના ઓરડાઓમાં જ વસવા લાગ્યા. ક્યારેક જ એકબીજાને પોતાના સુખદુઃખની જાણ કરતા.
માળ વધવાની સાથે અંતર પણ વધી ગયાં છે. હવે તો કોઈ કોઈને કંઈ જાણ પણ કરતું નથી.
અનુવાદ – ખ્યાતિ કેયૂર ખારોડ